‘ઇલિયડ’ એ પ્રાચીન ગ્રીક કવિ હોમરે લખેલું મહાકાવ્ય છે. વિશ્વનાં પાંચ મહાકાવ્યોમાં હોમરનાં બે કાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’નો સમાવેશ થાય છે. ‘ઇલિયડ’ કરુણાંત કાવ્ય-ટ્રેજેડી છે, જ્યારે ‘ઓડિસી’રોમાંચક કાવ્ય છે. ગ્રીસમાં અંધ ચારણ કવિઓની પ્રણાલી હતી. ઈ.સ. પૂર્વે ૧૪૦૦-૧૫માં બનેલી ઘટનાઓ આ કવિઓ ગાતા આવ્યા હતા. ઈ.સ. પૂર્વે ૫૦૦માં કવિ હોમરે ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ રચ્યાં હોવાનું મનાય છે. કવિ હોમર ખુદ અંધ હતા. કવિની આ રચનાનું નામ જ્યાં એ ઘટના ઘટી એ સ્થળના નામ પર આધારિત છે. ઇલિયડની કથાની ઘટના અને યુદ્ધનું સ્થળ ટ્રોય હતું. ટ્રોય ઇલિયન નગર તરીકે ઓળખાતું હતું અને એક સ્ત્રીને કારણે યુદ્ધ પણ અહીં જ થયું હોઈ હોમરની આ રચના ‘ઇલિયડ’ તરીકે ઓળખાય છે. આ કાવ્યની સમગ્ર રચના ૨૪ પુસ્તકોમાં વિભક્ત છે અને તેમાં ૧૫,૬૯૩ પંક્તિઓ છે. સમગ્ર મહાકાવ્યમાં ટ્રોય રાજ્ય સાથે ગ્રીક રાષ્ટ્રોના યુદ્ધનું વર્ણન છે. તેમાં ટ્રોયના ઉદય અને પતનની કહાણી છે. તેમાં ગ્રીકયોદ્ધા એકિલિસના વીરત્વની પણ ગાથા છે.
‘ઇલિયડ’ની કથા હેલન ઓફ ટ્રોય તરીકે પણ જાણીતી છે. એ કાળમાં ટ્રોયનો રાજા પ્રાયેમ હતો. તે વૃદ્ધ હતો. તેને બે પુત્રો હતા. એકનું નામ હેક્ટર અને બીજાનું નામ પેરિસ. ટ્રોય અત્યંત સમૃદ્ધ રાજ્ય હતું. તે નગરની ચારે તરફ ઊંચો કોટ હતો. ટ્રોયને હરાવવા દૂરદૂરના સ્પાર્ટા જેવાં અનેક ગ્રીક રાજ્યો અનેક વાર નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યાં હતાં. ટ્રોય અને ગ્રીક રાજ્યો વચ્ચે વર્ષોથી પરંપરાગત દુશ્મનાવટ હતી.
ગ્રીક રાજ્યોમાં સ્પાર્ટા એક મુખ્ય રાજ્ય હતું. સ્પાર્ટાનો રાજા મેનેલિયસ હતો. મેનેલિયસ પ્રૌઢ હતો જ્યારે તેની પત્ની હેલન તેનાથી ખૂબ નાની, યુવાન અને બેહદ સુંદર હતી. ગ્રીક દંતકથા પ્રમાણે હેલન વિશ્વની સૌથી વધુ સ્વરૂપવાન સ્ત્રી હતી. તેની દેહલતા સુવર્ણમય હતી. હેલન જ્યૂસની પુત્રી હતી. કહેવાય છે કે એક ગરુડ એક હંસની પાછળ પડયું હતું અને હંસે લેડા નામની એક સ્ત્રીની પાસે શરણ લીધું હતું. હંસને એ સ્ત્રીનો પ્રેમ મળ્યો અને તેમના સંસર્ગથી તે સગર્ભા બની. લેડાએ એક ઈંડું આપ્યું અને તેમાંથી હેલનનો જન્મ થયો. કેટલાક વિદ્વાનો હેલનને દેવતા જ્યૂસ અને દેવી નેમસિસની દીકરી પણ માને છે. અલબત્ત, તેના દુન્યવી પિતાનું નામ તિન્ડેરિયસ હતું. હેલનનો ભાવિ પતિ પસંદ કરવા તેના પિતાએ એક ખાસ સ્પર્ધા યોજી હતી. તેમાં અનેક રાજાઓ ભાગ લેવા આવ્યા હતા. તે પૈકી સ્પાર્ટાનો રાજા મેનિયસ ૬૦ જેટલાં જહાજો લઈને ગયો હતો અને હેલનને જીતીને, તેને પત્ની બનાવીને સ્પાર્ટા પાછો ફર્યો હતો.
આવા સ્પાર્ટા અને ટ્રોય વચ્ચેના કાયમી સંઘર્ષનો અંત લાવવા રાજા પ્રાયેમે તેમના બંને પુત્રો હેક્ટર અને પેરિસને શાંતિના દૂત બનાવી સ્પાર્ટા મોકલ્યા. હેક્ટર પરિણીત હતો પણ પેરિસ અપરિણીત હતો. સ્પાર્ટાના રાજા મેનિલેયસે પહેલાં તો દુશ્મન દેશના બે રાજકુમારોને જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું, પરંતુ બે રાજ્યો વચ્ચે કાયમી સંધિનો સંદેશ લઈને તેઓ આવ્યા છે તે જાણી આનંદ વ્યક્ત કર્યો. સ્પાર્ટામાં ભવ્ય મિજબાની રાખવામાં આવી. એ વખતે પહેલી જ વાર ટ્રોયના રાજકુમાર પેરિસે રાજા મેનિલેયસની યુવાન પત્ની હેલનને નિહાળી અને હેલને પણ પેરિસને જોયો. પ્રથમ નજરે જ તેઓ પ્રેમમાં પડી ગયાં.
કેટલાક દિવસ સુધી સ્પાર્ટામાં રોકાયા બાદ ટ્રોયના રાજકુમારો હેક્ટર અને પેરિસ તેમનું રોયલ નૌકાજહાજ લઈ ટ્રોય આવવા પાછા નીકળ્યા. સમુદ્રમાં થોડું અંતર કાપ્યા બાદ પેરિસે તેના મોટા ભાઈને કહ્યું, “ભાઈ! હું સ્પાર્ટાથી એક વસ્તુ મારી સાથે લાવ્યો છું.” હેક્ટરે પૂછયું, “શું?”
પેરિસે તેના જહાજમાં છુપાવી રાખેલી રાજા મેનિલેયસની પત્ની હેલનને બહાર લાવી કહ્યું, “આ છે હેલન!”
હેક્ટર ચોંકી ગયો. પણ હવે સ્પાર્ટાના રાજાની યુવાન પત્ની પણ ખુશીથી સ્પાર્ટા છોડી ચૂકી હતી. હેલનને જોઈ ટ્રોયના રાજા પ્રાયેમ પણ વ્યથિત થયા, કારણ કે હવે શાંતિની વાત તો દૂર રહી પણ યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા. રાજા પ્રાયેમે તેમના પુત્રને કહ્યું, “તારી એક ભૂલને કારણે હવે બધાં જ ગ્રીક રાજ્યો એક થઈ જશે અને ટ્રોય પર આક્રમણ કરશે.”
હેલને કહ્યું, “મારા કારણે જ યુદ્ધ થવાનું હોય તો હું સ્પાર્ટા પાછી જતી રહું,” પરંતુ મહારથી પ્રાયેમે કહ્યું, “ના, બેટા! હવે વિધાતાને જ નક્કી કરવા દો કે ટ્રોયનું ભાવિ કેવું હશે?”
રાજા પ્રાયેમના પરિવારે હેલનને સ્વીકારી લીધી. બીજી બાજુ મહેલમાંથી પત્ની હેલન ગુમ થઈ જતાં રાજા મેનિલેયસ ક્રોધે ભરાયો. મેનિલેયસે અને તેના ભાઈ એગમેમનને બધા ગ્રીક રાજાઓને એકત્ર કરી ટ્રોય પર ચઢાઈ કરવાનું નક્કી કર્યું. એક ભાઈને પત્ની જોઈતી હતી. બીજા ભાઈને ટ્રોય જોઈતું હતું. અને એક દિવસ સવારે ટ્રોયની ઊંચી દીવાલોના બૂરજ પર બેઠેલા સૈનિકોએ દરિયામાં ઊભેલાં હજારો ગ્રીક યુદ્ધવહાણો નિહાળ્યાં. ટ્રોયના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. ટ્રોય પાસે અખૂટ ધન, અનાજ અને પાણી હતું. ગ્રીક રાજ્યોના સૈનિકોએ ટ્રોયની દીવાલો ભેદવા અનેક વાર પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ટ્રોયમાં પ્રવેશી શક્યા નહીં. પૂરાં નવ વર્ષ સુધી ગ્રીક સૈનિકોએ ટ્રોયને ઘેરો ઘાલ્યો. હવે ટ્રોય પણ અનેક આપત્તિઓથી ઘેરાઈ ગયું હતું. ટ્રોયના નગરજનો બહાર નીકળી શકતા નહોતા. વળી, ગ્રીક સૈનિકોની સંખ્યા ઘણી મોટી હતી. એ બધામાં સહુથી મોટો યોદ્ધો વીર એકિલિસ હતો. તેને હરાવવાની કોઈની તાકાત નહોતી.
ટ્રોયનો ઘેરો દસમાં વર્ષમાં પ્રવેશ્યો ત્યારે રાજા મેનિલેયસના ભાઈ રાજા એગમેમનને યોદ્ધા એકિલિસને મોટો અન્યાય કર્યો. પ્રાચીન સમયમાં યુદ્ધથી સાંપડેલું ધન અને કેદીઓને માંહેમાંહે વહેંચી લેવાનો રિવાજ હતો. ગ્રીક લોકોએ ક્રિસા નામના નગરને લૂંટયું હતું. તેમાં સૂર્યદેવ એપોલોનું મંદિર પણ લૂંટવામાં આવ્યું હતું. ગ્રીક સૈનિકોએ જે કેદીઓને પકડયા તેમાં એપોલોના મંદિરના પૂજારી ક્રાયસિસની એક કન્યાનો પણ સમાવેશ થતો હતો. એ કન્યા મહારાજા એગમેમનના ભાગે આવી હતી. પૂજારીએ ગ્રીક છાવણીમાં જઈ પોતાની પુત્રી પાછી આપવા માંગણી કરી, પરંતુ રાજાએ પૂજારીને કાઢી મૂક્યો. પૂજારીએ ગ્રીકોને શાપ આપ્યો. એ શાપને કારણે ગ્રીક સૈનિકોમાં મરકીની મહામારી ફેલાઈ. વીર યોદ્ધા એકિલિસે ભવિષ્યવેત્તા પાસે જઈ આ બીમારીના કારણની તપાસ કરી તો ખબર પડી કે પૂજારીના શાપને કારણે આ ભયંકર બીમારી ફેલાઈ છે. યોદ્ધા એકિલિસે રાજા એગમેમન પાસે જઈ પૂજારીને તેની કન્યા પાછી આપવા જણાવ્યું પણ બેઉ વચ્ચે મોટો વાદવિવાદ થયો. અંતે રાજા એગમેમન કન્યા પૂજારીને પાછી આપવા સંમત થયો, પરંતુ તેના બદલામાં એકિલિસને યુદ્ધભાગે મળેલી બ્રાઇસીસ નામની કન્યા પડાવી લીધી. આ બીનાથી રોષે ભરાયેલા એકિલિસે યુદ્ધનો ત્યાગ કર્યો.
આ તરફ યુદ્ધ ચાલુ રહ્યું. રોજ સવારે ટ્રોયના કેટલાક સૈનિકો બહાર નીકળતા અને ગ્રીકો સાથે યુદ્ધ કરતા. ટ્રોયનો રાજકુમાર પેરિસ પણ એક દિવસ બહાર નીકળ્યો અને હેલનના પતિ રાજા મેનિલેયસ સાથે યુદ્ધ કર્યું, પરંતુ મેનિલેયસની તાકાતથી ગભરાઈ જઈને રણવાસમાં પાછો દોડી આવ્યો. યુદ્ધમાંથી પાછા દોડી આવેલા પેરિસને હેલને ઠપકો આપ્યો. એ દરમિયાન એક દિવસ એકિલિસનો મિત્ર પેટ્રોક્લિસ યુદ્ધ કરવા ગયો. રાજા પ્રાયેમના મોટા પુત્ર હેક્ટરના હાથે તે મરાયો. મિત્રના મોતની ખબરથી એકિલિસ ક્રોધે ભરાયો અને પોતાની નારાજગી ત્યજી દઈ તેણે બખ્તર પહેરી લીધું. બીજા દિવસે એકિલિસ અને હેક્ટર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. એકિલિસના હાથે રાજા પ્રાયેમનો મોટો પુત્ર હેક્ટર મરાયો. એકિલિસ હેક્ટરના મૃતદેહને રથ સાથે બાંધી ખેંચી ગયો. ટ્રોય નગરમાં શોક વ્યાપી ગયો. રાજા પ્રાયેમે રાત્રિના સમયે ગ્રીક છાવણીમાં જઈ પુત્રના મૃતદેહની માગણી કરી. એકિલિસે રાજા પ્રાયેમનો સત્કાર કર્યો અને હેક્ટરના શબને પાછું આપ્યું. બાર દિવસ માટે યુદ્ધવિરામ જાહેર કરાયો. રાજા પ્રાયેમે હેક્ટરના શબનો ટ્રોય નગરમાં અંતિમ સંસ્કાર કર્યો.
‘ઇલિયડ’ મહાકાવ્યની છેલ્લી પંક્તિ અહીં પૂરી થાય છે, પરંતુ ટ્રોયની કથા અહીં સમાપ્ત થતી નથી. ગ્રીકોનું ટ્રોય સાથેનું યુદ્ધ ચાલુ જ રહ્યું. ગ્રીકો ટ્રોયના અભેદ કિલ્લાને ભેદી શકતા ન હોઈ એક યુક્તિ અજમાવે છે. એક દિવસ ટ્રોયના નગરજનો સવારે ઊઠયા તો ટ્રોયની સામે દેખાતા દરિયામાં ઊભેલાં ગ્રીક યુદ્ધવહાણો ગાયબ હતાં. હજારો વહાણ અને હજારો સૈનિકો પાછાં ચાલ્યાં ગયાં હતાં. દરિયાકિનારે દેખાતી ગ્રીક સૈનિકોની છાવણીઓ પણ ખાલી હતી. ટ્રોયના લોકો આશ્ચર્યમાં પડી ગયા, પરંતુ દરિયાકિનારે લાકડાંનો બનાવેલો એક મહાકાય ઘોડો ગ્રીક લોકો મૂકતા ગયા હતા. લોકો સમજ્યા કે ગ્રીક લોકો જતાં જતાં તેમને આ પ્રતીકાત્મક ભેટ આપતા ગયા છે. સેનાપતિએ અને રાજા પ્રાયેમે એ ભેટ સ્વીકારીને લાકડાંના વિશાળ ઘોડાને ટ્રોય નગરમાં લાવવા કહ્યું. હેલને એ ઘોડાને ટ્રોયમાં ન લાવવા કહ્યું, પરંતુ રાજા પ્રાયેમ એ ઘોડાને ગ્રીકોની ભેટ સમજીને એનો અસ્વીકાર કરવા સંમત નહોતા.એ મહાકાય ઘોડાને ટ્રોયની અંદર લાવવામાં આવ્યો. યુદ્ધ સમાપ્ત થઈ ગયું હોઈ ટ્રોયના લોકોએ એ રાત્રે ખૂબ શરાબ પીધો. આખું ટ્રોય નશામાં બેશુદ્ધ હતું. બરાબર મધ્ય રાત્રિએ લાકડાંના એક વિશાળ ઘોડામાંથી નીચેની એક બારી ખૂલી. તેમાં છુપાયેલા ગ્રીક સૈનિકો દોરડાથી લટકીને નીચે ઊતર્યા અને ઊંઘતા ટ્રોયના લોકો તથા દરવાજો બંધ કરીને સૂતેલા સૈનિકોને મારી નાખ્યા. ગ્રીક સૈનિકોએ ટ્રોયના દરવાજા અંદરથી ખોલી નાખ્યા અને બહાર છુપાયેલા ગ્રીક સૈનિકો ટ્રોયમાં પ્રવેશી ગયા. ટ્રોયના લોકો આ પ્રકારના હુમલા માટે તૈયાર નહોતા. ટ્રોયના લોકો મરાયા. રાજા પ્રાયેમની પણ હત્યા થઈ. એ યુદ્ધમાં વીર એકિલિસ પણ મરાયો,પરંતુ ટ્રોય બચી શક્યું નહીં. આખું ટ્રોય નાશ પામ્યું, એક સ્ત્રીને કારણે. એક સંસ્કૃતિ નાશ પામી, એક સ્ત્રીને કારણે.
ગ્રીક મહાકવિ હોમરના આ મહાકાવ્યની યુરોપના સમગ્ર સાહિત્યચિંતકો અને લોકજીવન પર ભારે મોટી અસર છે. ‘હેલન ઓફ ટ્રોય’ના વિષયને લઈને અનેક ફિલ્મો પણ બની છે. પશ્ચિમની યુનિર્વિસટીઓમાં મહાકવિ હોમરના આ મહાકાવ્ય પર અનેક સંશોધનો થયાં છે. ‘ઇલિયડ’ એ રસપ્રચુર યુદ્ધની કથા જ નથી પણ માનવજાતને એક ગંભીર સંદેશ પણ છે.
Congratulations @bhavykapadiya! You received a personal award!
You can view your badges on your Steem Board and compare to others on the Steem Ranking
Vote for @Steemitboard as a witness to get one more award and increased upvotes!
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit