આ રાજસ્થાની લોકવાર્તા આપણને ખુબ કિંમતી શીખ આપી જાય છે કે, વ્યક્તિએ પોતાનાં વિચારો વિશે કે ઈચ્છાઓ વિશે ખુબ સાવધાની રાખવી જોઈએ. ક્યારે કઈ વાત પર ‘તથાસ્તુ’ થઇ જશે એ કોઈને ખબર નથી! ઈચ્છાઓનાં ઘોડાઓ પર કોઈ લગામ હોતી નથી પણ, ઈચ્છા કરતા પહેલા એક વખત ચોક્કસ વિચારી લેવું કે, જો એ ઈચ્છા પૂરી થઇ ગઈ તો શું?
ઘણા સમય પહેલાની વાત છે, આપણા આટલા મોટા ભારત દેશનો એક પ્રદેશ છે રાજસ્થાન. રાજસ્થાન એટલે થારનું રણ અને રણ એટલે, સુકી રેતી, ગરમ હવાઓ અને નિર્જન ટીંબા! એક વખત એક મુસાફર આ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. મુસાફર એકલો જ હતો. રણની ગરમ, સુકી રેતી પર કલાકો સુધી ચાલ્યા બાદ, એ હવે થાકી ગયો હતો. થાકની સાથે ભૂખ અને તરસનાં કારણે તેની હાલત ખરાબ થઇ રહી હતી. તેણે થોભીને ચારે તરફ નજર દોડાવી પણ, સુકા ભઠ્ઠ રેતીનાં પટ સિવાય દૂર-દૂર સુધી કંઈ જ નજરે ન ચઢ્યું. ન કોઈ પશુ-પક્ષી, ન માણસજાત કે ન મળે કોઈ ગામ! અરે એટલું જ નહીં, આજુબાજુમાં કોઈ ઝાડ-પાન પણ જોવા ન મળે એવો સાવ પાણી વિનાનો શુષ્ક વિસ્તાર હતો. આવામાં હતાશ થઇ ગયેલો એ મુસાફર એક જગ્યાએ થોભી અને વિચારવા લાગ્યો, “કાશ, મારી સામે એક લીલુંછમ ઘટાટોપ ઝાડ હોત તો, હું તેની નીચે થોડીવાર આરામ કરી શક્યો હોત!”
અને આ શું?
જોતજોતામાં તો ત્યાં એક વિશાળ વૃક્ષ ઉભું હતું. ચમકતા, લીલાછમ તેનાં પાંદડા, પાંદડે-પાંદડે સૂર્યનાં કિરણોની પડતી ઝાંય જાણે કોઈએ લીલો ચંદરવો (canopy) ન બાંધ્યો હોય! આ જોઇને દિગ્મૂઢ થઇ ગયેલો મુસાફર જેવો એ ઝાડ નીચે ગયો કે, અહાહા! શું તેની શીતળતા!
છતાં, તેને થયું કે, આ તો રણ છે અહીં ઘાસનું એક તણખલું જોવા ન મળે ત્યાં આવડું મોટું વૃક્ષ ક્યાંથી? પણ, વૃક્ષની નીચે ઠંડા-ઠંડા પવનની લહેરખીઓ વાતી હતી તેમાં એટલું સારું લાગતું હતું કે, તેણે આ શીળી છાયામાં થોડો આરામ કરી લેવાનું નક્કી કર્યું.
ઝાડ નીચે બેસી મુસાફર વિચારવા લાગ્યો કે, “કાશ, મને અત્યારે તાજું, ઠંડુ પાણી મળી ગયું હોત તો, આ તરસથી છુટકારો મળત!” અને બસ, આમ વિચારતા જ એ બેઠો હતો ત્યાં સામે એક માટલું મળી આવ્યું.
“ઓહ!” આશ્ચર્યમાં ગરકાવ મુસાફરે માટલું ઉપાડ્યું અને ઝડપથી તેમાં રહેલું ઠંડું, મીઠું પાણી પી પોતાની તરસ બુઝાવી.
થોડી ક્ષણો માટે શાંતિથી બેઠાં બાદ, તેને ફરીથી એક વિચાર આવ્યો કે, “પાણી પી ને તો સંતોષ થઈ ગયો પણ, આ ભૂખનું શું કરવું? કાશ, થોડું કંઇક ખાવાનું પણ મળી ગયું હોત તો…” હજી તો આટલું વિચાર્યું ત્યાં તો, ભાત-ભાતની સ્વાદિષ્ટ વાનગીઓથી સજ્જ એક થાળી મુસાફર સમક્ષ પ્રગટ થઈ! ભૂખ્યા મુસાફરને તો જાણે ભગવાન મળ્યા!! તેણે તો ખવાતું હતું એટલું ખાઈ લીધું. પેટ ભરીને સ્વાદિષ્ટ ભોજન કરી લીધા બાદ, મુસાફરની આંખો ઘેરાવા લાગી આથી, તેણે એક પલંગ મળે એવી ઈચ્છા કરી અને તરત જ સામે આવી ગયો રૂનાં નરમ ગાદલા બિછાવેલો એક પલંગ! આ રજવાડી પલંગ પર પડ્યા પડ્યા મુસાફર વિચારે ચઢ્યો કે, “પલંગ તો આવી ગયો પણ કાશ, કોઈક હોત કે જે મારા ચાલી-ચાલીને થાકી ગયેલા આ પગ દબાવી આપત…” અને જેવી આશા કરી એવી જ ફળી અને એક સુંદર સ્ત્રી હાજર! દાસી તો પલંગ પર બેસી મુસાફરનાં પગ દબાવવા લાગી, માલીશ કરવા લાગી. થાકેલો મુસાફર ઘડીભરમાં ઘસઘસાટ સુઈ ગયો.
હકીકતમાં એ જે વૃક્ષ નીચે સુતો હતો તે એક ‘કલ્પવૃક્ષ’ હતું. કલ્પવૃક્ષ એટલે એક એવું જાદુઈ વૃક્ષ કે જે તેની નીચે કરવામાં આવતી કોઈ પણ ઈચ્છાની પૂર્તિ કરે!
થોડો સમય ઊંઘ્યા બાદ મુસાફર જાગ્યો. જાગીને જુએ છે તો પેલી દાસી હજી તેના પગ પાસે જ બેઠી હતી. મુસાફર વિચારવા લાગ્યો, “આ બધું સાચું તો ન જ હોઈ શકે કેમકે, આ તો રણ છે અને વસ્તુઓ હવામાંથી તો ઉદ્ભવી ન શકે, આ ચોક્કસ કોઈક માયા હોવી જોઈએ…”
મુસાફરે આગળ વિચાર કર્યો, “ભલું કરે ભગવાન કે હજી સુધી મેં બધી સારી જ ઈચ્છાઓ કરી છે! સારું છે કે, મને ખાઈ જવા તૈયાર બેઠો હોય તેવા કોઈ રાક્ષસ વિશે મેં વિચાર્યું નથી!”
પણ, વિચાર તો થઇ ગયો…
એટલે દરેક વખતે થાય છે તેમ આ વખતે પણ એક મહાકાય, ભયંકર રાક્ષસ મુસાફરની સામે આવીને ઉભો રહી ગયો. આવતાવેંત ગર્જના કરતા એ રાક્ષસ બોલ્યો, “એ મુર્ખ માણસ, મારો શિકાર બનવા માટે તૈયાર થઇ જા! હમણાં જ હું તારો કોળીયો કરી જાઉં છું.”
અટ્ટહાસ્ય કરતો રાક્ષસ તો કુદયો બિચારા મુસાફર પર.
ભયથી થથરતા મુસાફરે તો આંખ બંધ કરી લીધી અને મનમાં વિચારવા લાગ્યો કે, “હે ભગવાન કાશ, આ રાક્ષસ અબઘડી ગાયબ થઇ જાય!” અચાનક જ રાક્ષસ ત્યાંથી અદ્રશ્ય થઇ ગયો અને બધું હતું એવું ને એવું થઇ ગયું.
મુસાફર તરત જ ત્યાંથી નાઠો. તેને શું થયું એ છેક સુધી ખબર જ ન પડી.
ચાલતા-ચાલતા એ વિચાર કરવા લાગ્યો કે, “એ બધું શું હતું? શું એ કોઈ સપનું હતું? જે હોય તે પણ, મારે હવેથી વિચાર કરતી વખતે સાવચેત રહેવું પડશે. શી ખબર ક્યારે શું સાચું બનીને સામે આવી જાય?”
જે બન્યું એ યાદ કરતા-કરતા મુસાફર પોતાને માર્ગે ચાલી નીકળ્યો.