આ જાતક કથા, ‘લોભે લક્ષણ જાય’ કહેવતને સાર્થક કરે છે. માણસનો સ્વભાવ કેવો છે ને કે, જે મદદ કરે છે તેને જ છેતરવાનું વિચારી શકે છે! પરંતુ, અતિ લાલચને કારણે ક્યારેય કોઈનું ભલું થયું નથી. ભલાઈનો બદલો બુરાઈ વડે આપવાથી નુકસાન જ થાય છે.
બહુ વખત પહેલા, એક સરોવરમાં એક હંસ રહેતો હતો. તમને તો ખબર જ છે કે, હંસ એક ખુબ સુંદર, સોહામણું પક્ષી હોય છે પણ, આ હંસની તો વાત જ કંઇક અનોખી હતી. તેને સુંદર મજાના ચમકતા સોનેરી પીંછા હતા. હંસ રહેતો હતો તે સરોવર પાસે એક ઘર હતું. આ ઘરમાં એક ગરીબ સ્ત્રી તેની બે દીકરીઓ સાથે રહેતી હતી. એ લોકો એટલા બધા ગરીબ હતા કે, તેમને બે વખતનું પુરતું જમવાનું પણ મળી શકતું ન હતું.
સોનેરી હંસને પરિવારની આવી ખરાબ હાલત વિશે જાણ હતી. તેણે વિચાર્યું, “હે ભગવાન, કેટલી મુશ્કેલીમાં જીવે છે આ સ્ત્રી અને તેની દીકરીઓ! તેઓ મારા પાડોશી છે, તેમને મદદ કરવી એ મારો ધર્મ છે. હું જો એમને મારા સોનેરી પીંછામાંથી એક પીંછુ આપું તો, એ સ્ત્રી તેને બજારમાં વેંચીને જે પૈસા મળે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવી શકે. આમ કરવાથી એમને બે ટંક ખાવાનું તો મળી જ રહેશે.”
આવી સારી ભાવના સાથે, હંસ ઉડીને એ સ્ત્રીનાં ઘરે ગયો. સોનેરી હંસને પોતાનાં ઘરે આવેલો જોઈ સ્ત્રી બોલી, “હે વ્હાલા હંસ, તું અહીં શા માટે આવ્યો છે? મને કહેતા ખુબ ક્ષોભ થાય છે (શરમ અનુભવાય) કે, તને આપવા માટે મારી પાસે કંઈ જ નથી.” સોનેરી હંસે કહ્યું, “ના, ના હું અહીં તમારી પાસેથી કંઈ લેવા નથી આવ્યો, ઉલ્ટાનું મારે તમને કંઇક આપવું છે. હું ઘણાં સમયથી જોઈ રહ્યો છું કે તમે કેટલી મુશ્કેલીમાં જીવન વિતાવી રહ્યા છો. હું તમને મારું આ સોનેરી પીંછું આપવા માંગું છું તમે એ બજારમાં વેંચશો તો તમને તેના પૈસા મળશે અને તમારી થોડી મદદ થઇ જશે.”
ગરીબ સ્ત્રી અને તેની દીકરીઓ તો આ ભલા હંસની વાત સાંભળી દંગ રહી ગયા. સોનેરી હંસ તેઓને પોતાનું એક પીંછું આપી, ત્યાંથી ઉડી ગયો.
હવે તો જાણે આ એક ક્રમ બની ગયો કે, જયારે પણ આ પરિવારને કંઈ જરૂર પડતી તો, હંસ તેનું એક સોનેરી પીંછું તેમને આપતો અને એ વેંચી જે પૈસા મળતા તેમાંથી આરામથી તેમનું ગુજરાન ચાલતું. આમ, સોનેરી પીંછા વેંચી તેઓ પોતાને માટે સુખ-સગવડો ખરીદતા રહ્યા.
હવે, પેલું કહે છે ને કે, સુથારનું મન બાવળિયે એમ આખી જીંદગી અગવડમાં રહેલી એ સ્ત્રીનાં મનમાં લાલચ જાગી. તેને લાગવા માંડ્યું કે, જો આ સોનેરી હંસ અહીંથી બીજે જતો રહે તો, અમારું શું થશે? એક દિવસ તેણે પોતાની દીકરીઓને કહ્યું, “આપણે જીવનમાં ખુબ ખરાબ સમય જોયો છે અને હું નથી ઈચ્છતી કે આપણે ફરી ક્યારેય ગરીબીના એ દિવસો જોવા પડે.
સોનેરી હંસ આપણા માટે એક વરદાન બનીને આવ્યો છે પણ, જો એ આપણને પીંછા આપવાનું બંધ કરી દે તો? કે પછી એ આ સરોવર છોડીને બીજે રહેવા જતો રહે તો? ના રે ના, મારે ફરીથી ગરીબ બનીને નથી જીવવું. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે, આપણે જલ્દીથી હંસનાં બધા જ સોનેરી પીંછા લઇ લેવા જોઈએ.”
બંને દીકરીઓનો સ્વભાવ સારો હતો, તેમને આ વાત યોગ્ય ન લાગી. તેમણે તેમની માને સમજાવતા કહ્યું, “ના મા, આપણે એવું ન કરવું જોઈએ. તેનાથી તો હંસને ખુબ દુઃખ થશે. જેણે મુશ્કેલીનાં સમયમાં આપણી મદદ કરી તેની સાથે આપણે દગો કઈ રીતે કરી શકીએ?”
પરંતુ, દુષ્ટ માતાએ દીકરીઓની વાત ન માની. તેણે મનમાં નક્કી કરી જ લીધેલું કે, હવે જયારે હંસ તેમને મળવા આવે ત્યારે એ તેનાં બધા જ પીંછા છીનવી લેશે. એક દિવસ હંસ રાબેતા મુજબ આ પરિવારને મળવા આવ્યો. પહેલાથી જ મનમાં નક્કી કરી ચુકેલી સ્ત્રીએ સોનેરી હંસને પકડી લીધો અને ક્રુરતાપૂર્વક તેનાં બધા પીંછા ખેંચી કાઢ્યા. બિચારો સોનેરી હંસ પીડાથી કણસવા લાગ્યો. સ્ત્રી તો આટલા બધા સોનેરી પીંછા જોઇને હરખાઈ ગઈ. પણ આ શું? સોનેરી પીંછાનો રંગ તો બદલાવા લાગ્યો. થોડી જ વારમાં સુંદર, ચમકતા સોનેરી પીંછા કાળા, ડરામણા પીંછા બની ગયા. લાલચી, દુષ્ટ સ્ત્રી અને તેની દીકરીઓ આ જોઇને ડઘાઈ જ ગઈ.
દુખી થઇ ગયેલા સોનેરી હંસે કહ્યું, “હે કપટી સ્ત્રી, તેં આ શું કર્યું? મેં હંમેશા તારી મદદ કરી અને તેં મને મારી નાખવાની કોશિશ કરી? અત્યાર સુધી મેં ખુશીથી તને મારા સોનેરી પીંછા આપ્યા પણ, હવેથી હું તારી મદદ નહીં કરું. તેં છળથી છીનવી લીધેલા પીંછા હવેથી કોઈ કામનાં નહીં રહે. એ હવે કોઈ સાધારણ પીંછાથી વિશેષ કિંમતી નથી રહ્યા. આજથી હું આ સરોવર છોડીને જઈ રહ્યો છું. હું અહીં કદી પાછો નહીં ફરું.” આમ કહી હંસ સરરરર કરતો દૂર ઉડી ગયો.
સ્ત્રી અને તેની દીકરીઓને પોતાનાં કર્યા પર ખુબ પસ્તાવો થયો અને ત્રણેય જે થયું તે બદલ અફસોસ કરવા લાગી. પણ, હવે તો આખી વાત હાથમાંથી નીકળી ગયેલી. હંસને દૂર જતો જોવા સિવાય ત્રણેય પાસે કોઈ ઉપાય ન હતો.
You've got a free upvote from witness fuli.
Peace & Love!
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit